ચોરવાડનાં દરિયાકિનારે ઉછળેલુ અશ્રુઓનું મોજુ હજુ પણ આખા સૌરાષ્ટ્રની આંખમાંથી સુકાયુ નથી. એક સાથે નવ-નવ જિંદગીઓને કરાલ કાળની ગહનગર્તામાં તાણી જનાર ચોરવાડનાં દરીયાકિનારાની દુઘર્ટનાનો વિષાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છવાયેલો છે.રાજકોટની જિનિયસ સ્કૂલનાં સ્ટાફના પ્રવાસ દરમિયાન બનેલી આ દુઘર્ટનાએ અનેક પ્રકારનાં પ્રશ્વ્નાર્થો ઊભા કર્યા છે. સોમનાથના દરિયાકિનારે રોજના હજારો અને તહેવારોમાં લાખો પ્રવાસીઓ છબછબિયાં કરવા આવે છે. સહુ જાણે છે કે, દીવના નાગવાબીચ સિવાય આપડા વિસ્તારમાં દરિયામાં પગ મૂકયો એટલે મર્યા સમજો.સોમનાથના દરિયા કિનારે પણ અત્યાર સુધીમાં ઘણી જિંદગીઓ ડૂબી ગઇ છે. છતા ત્યા આજની તારીખમાં પ્રવાસન નિગમે કે સ્થાનિક ફાયરબ્રિગેડે કે સોમનાથ ટ્રસ્ટે એક પણ પાટિયુ માર્યુ નથી કે, અહીં દરિયો જોખમી છે અને ન્હાવાની સખત મનાઇ છે.ચોરવાડના દરિયા કિનારે પણ આવા પાટિયા મારવાની જરૂર છે જેમાં હજુ સુધી એક પણ પાટિયુ મારવામાં આવ્યું નથી.ઉભરાટનો દરિયા કિનારો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં મહર્ષિ અરવિંદના સાધના કેન્દ્ર નજીકમાં નારગોલનો દરિયા કિનારો પણ ન્હાવાની સખત મજા આવે એવો દરિયાકિનારો છે. ગોપનાથનો દરિયા કિનારો પણ માત્ર દર્શન માટે જ છે. ત્યાં પણ સ્નાન સંપૂર્ણ જોખમી છે. મહુવાનો ભવાની માતાજી મંદિરનો કિનારો પણ ન ન્હાવાની સલાહવાળો છે.એક તો આપણે ગુજરાતીઓને તરતા આવડતુ હોતુ નથી અને બીજું પાણીના એટલા ભૂખડી બારસ છીએ કે પાણી ભાળ્યું નથી કે, બુદ્વિનાં બારણા બંધ થયા નથી. ચોરવાડની દુર્ઘટનાએ પ્રવાસમાં બાળકોને મોકલતા વાલીઓની પણ આંખો ઊઘાડી નાખી છે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને પણ ઢંઢોળી નાખી છે.