આકાશમાં વાદળાઓએ દેખા દીધી છે અને કયાંક કયાંક વરસાદ પણ પડયો છે. પરંતુ આ વરસાદને કાંઇ વરસાદ કહેવાતો નથી અને એને કમોસમી માવઠુ પણ કહેવાતુ નથી. આવતુ ચોમાસુ જે ચોક્કસ રીતે સારૂ આવી રહ્યું છે એના પર આ વાદળાઓનો કોઇ પ્રભાવ પડવાનો નથી. પરંતુ જો હજુ વાદળાઓ ચાલુ રહે અને અડધા ગુજરાતમાં એક દિવસ પૂરતો આછો પાતળો વરસાદ થઇ જાય તો હવામાનશાસ્ત્રમાં એને મેઘસ્ખલન કહેવામાં આવે છે અને જો એવુ વાતાવરણ થાય તો આવતું ચોમાસુ નબળુ પડે. વાદળાઓને કારણે બે – ત્રણ દિવસથી થોડીક રાહત છે પરંતુ વૈશાખ તો તપતો આગળ ચાલવાનો છે અને જેઠમાં પણ તડકો મોળો પડવાનો નથી. જે તડકો આપણને મઘ્યાહન વેળાએ ભારે પડે છે એ હકીકતમાં તો સમુદ્રના પાત્રને ઊંધુ કર્યા વિના એમાંનું જળ મધુર કરીને આકાશમાં લઇ જવાની કુદરતની કમાલ છે. એટલે ગ્રીષ્મને તો આદર આપવો જ પડે કારણ કે, જેમ જેના જીવનમાં સંઘર્ષ ઓછો તેમ સુખ ઓછુ એવી જ રીતે ગ્રીષ્મ ઓછી તપે તેમ ચોમાસુ ઓછંુ ફળે.કહીએ છીએ ખરા આપણે કે, સૂરજ ધીમા તપો, ધીમા તપો પરંતુ સૂરજ ઉનાળામાં ધીમા તપે તો પૃથ્વીને લીલી ચાદર ઓઢવા ન મળે. કેસર કેરી હજી ઘણી છેટી છે. તાલાળાની બજારમાં અથાણાની કાચી કેરીઓ આવી ગઇ છે. એક તો મર્યાદિત ફાલ છે. આંબે મોર બેઠો તે શરૂઆતમાં જ ખરી ગયો પછી જે વઘ્યો એમાંથી જથ્થાબંધ ખાખડીઓ ખરી ગઇ અને રૂપિયે કિલોનાં ભાવે ખાખડી વેચી દેવાના દિવસો આવી ગયા. એના પછી જે ફાલ આંબા પર રહ્યો તે હવે જમાવટ કરવા લાગ્યો છે.અથાણાની સિઝન શરૂ થઇ છે અને પંદર દિવસમાં પુરી થઇ જશે. એના પછી જે કેરી આવશે એ અસ્સલ કેસર, હશે અને શાખની કે દાબાની એ કેરીનો રસ અમૃત રસ જેવો હશે. શરૂઆતમાં બજારમાં માલ ઓછો આવવાને લીધે આ વખતે કેસર કેરીના ભાવ ઊંચા રહેશે અને દર વખતની જેમ છેલ્લે ભાવ ઘટશે એમ તાલાળાની બજારમાંથી જાણવા મળે છે. આ વખતે તો મહુવાની જમાદાર કેરી પણ બજારમાં મોડી પડી રહી છે. આપણે આ તરફ જમાદાર કેરીનાં રસિયાઓ છે નહી પરંતુ એનું પણ કેસર જેવું જ છે, જેને એક વખત જમાદાર કેરીનો રંગ લાગે એ પછી જીવનભર ઉતરતો નથી. મોકો મળે તો મહુવાની અતિવિશિષ્ટ સ્વાદ ધરાવતી તથા કેરીઓનાં પ્રકારોમાં ચિત્તને આકર્ષવાની જુદા જ પ્રકારની સ્વાદસૃષ્ટિવાળી જમાદાર કેરીનો આસ્વાદ એક વાર લેવા જેવો છે. મહુવાની જે કેટલીક શોભાઓ છે, એનાં રમકડાથી શરૂ કરીને શ્રોતાઓને રમકડાની જેમ રમાડતી મોરારિબાપુની વાણી સુધીની શોભાઓમાં જમાદાર કેરી પણ એક વિશિષ્ટ પ્રકારની શોભા છે. જો કે ગુજરાતનાં તમામ શહેરોમાં અત્યારે કેસર કેરીનો સિક્કો ચાલે છે. અનેક દૂધવાળાની દુકાને બે-નંબરી કેસર કેરીનો રસ મળે છે. એનાથી બચવા જેવુ છે. બીજુ કે કાર્બન દ્વારા પકાવેલી કેસર કેરીથી પણ બાળકોને બચાવવા જેવા છે. અને ત્રીજી વાત ઓર્ગેનિકના નામે વેચાતી ખોટી કેરીઓથી પણ બચવા જેવુ છે. કેટલાક સાચા માણસો છે જેઓ ખરા અર્થમાં વૃક્ષ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી અને આયુર્વેદ પ્રેમી છે અને માત્ર પોતાના મિત્ર વર્તુળ અને સ્નેહીજનો માટે ઓર્ગેનિક કેરીની વ્યવસ્થા કરે છે. એ સિવાયનાં ઓર્ગેનિકના નામે ફરતા વેપારીઓથી પણ બચવા જેવુ છે. ગમે તે હોય પણ કેસર એ કેસર છે. સૌરાષ્ટ્રમાં જન્મ લીધો હોય અને ગીરના સાવઝનો સાક્ષાત્કાર ન કર્યો હોય, શેત્રુંજીથી મચ્છુન્દ્રી સુધીની નદીઓમાં ડૂબકી ન મારી હોય, ભાંગતી રાતનાં ભજન – ડાયરામાં ભાગ ન લીધો હોય, જમ્યા પછી સોપારીનો ટુકડો ન ખાધો હોય,ગામના ચોકમાં નોરતામાં પગ પછાડીને રમ્યા ન હોઇએ, ગામના ચોરેને ઓટલે બેઠા ન હોઇએ, વટ, વચન અને વેરનો વારસો ન જાણ્યો હોય અને ઉનાળામાં ભરબપોરે વાટકા ભરી કેસરનાં ઘુટડા ન પીધા હોય તો આ જન્મારો ફોગટ જાણવો.ભાઇ ઘણી ખમ્મા…..!