ગુજરાતના પાટનગર અમદાવાદનું નામ રાજનગર હતુ

શિલ્પ સ્થાપત્ય સાથેનો ઇતિહાસ બોલે છે કે રાજનગર ‘‘જૈનપુરી’’ તરીકે પણ ઘણા સ્થળે પ્રસિદ્ધ છે. આ શહેરમાં મોટી સંખ્યામાં જૈન મંદિરો તૂટયા છે. છતાં આજે ઘણી મોટી સંખ્યામાં ગુજરાતભરમાં જૈન દેરાસરોની ધજાપતાકા લ્હેરાઇ રહી છે. સંવત ૧૯૦૧માં દિલ્હી દરવાજા બહાર હઠીસિંહ કેસરીસિંહએ વિશાળ બાવન જિનાલયનું ખાતમુહુર્ત કરેલું પરંતુ મંદિરનું કામ પુરૂં થાય એ પહેલાં એમના માતૃશ્રી સુરજબાઇ માંદા પડયા અને એક મહિના બાદ સૂરજબા ગુજરી ગયા. હઠીસિંહે નગરશેઠ હિમાભાઇની દીકરી રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. રૂકમણી શેઠાણી આંખે અંધ થયાં એટલે રૂકમણીની બીજી બહેન પ્રસન્ન સાથે લગ્ન કર્યા. પ્રસન્નનું પણ મરણ થયું. ત્યારબાદ ઘોઘાના એક વણિકની પુત્રી હરકુંવર સાથે હઠીસિંહે ત્રીજીવાર લગ્ન કર્યા. પરંતુ કમનસીબે ૧૯૦૧માં ટૂંકી માંદગીમાં હઠીસિંહ પણ ગુજરી ગયા. હરકુંવર શેઠાણી બહુ શુકનિયાળ ગણાયા. આ વિરાટ હઠીસિંહનું દહેરાસર હરકુંવર શેઠાણીએ પૂરૂં કર્યું. કાઠિયાવાડમાંથી મિસ્ત્રીઓ અને સોમપુરાઓને મોટી સંખ્યામાં બોલાવ્યા હતા. ૧૯૦૩ મહાવદ પાંચમના રોજ શ્રી શાન્તિસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી અને દહેરાસરમાં મૂળનાયક તરીકે શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન થયા. પ્રતિષ્ઠા સમયે ચાર લાખ માણસો અહીં ઉપસ્થિત રહ્યા હતા. મિલિટરીના તંબુઓની દિલ્હી દરવાજાથી તે છેક શાહીબાગ જૂના રાજભવન સુધી હાર લાગી ગઇ હતી. આ મંદિર આજે પણ કલાકારીગરીના નમૂના તરીકે ઉત્તમોત્તમ ગણાય છે. સ્થાપત્યમાં એ સમયનો શ્રેષ્ઠ કારીગર- સલાટ પ્રેમચંદે હઠીસિંહનું દહેરાસર સંપૂર્ણ કર્યું. આજે હઠીસિંહ દહેરાસરમાં પાષાણની ૨૩૮ પ્રતિમા, ૮૩ ધાતુની મૂર્તિઓ તથા ૨૧ યંત્રો છે. કમ્પાઉન્ડમાં કીર્તિ સ્તંભ છે. ૧૨૫ પગથિયાવાળા મિનારાની ઉંચાઇ ૭૨ ફૂટ છે. જે મહાવીર ભગવાનની ૨૫૦૦મી નિર્વાણતિથિ નિમિત્તે બનાવેલ છે. દેરાસરની પાછળ નંદાવ્રતનો સાથિયો આવેલો છે જેના ત્રણ છેડા મળે છે. પરંતુ ચોથો છેડો મળતો નથી… આજે જૈન સંવત્સરી નિમિત્તે જૈનોનાં ગૌરવ જેવું સો ટચના સોના પર જાણે કે કલાકારીગરી કંડારી હોય એમ શોભી ઊઠતી આ પાષાણ કળા સહુને મિચ્છામિ દુક્કડમ્ કરી રહી છે.