આકાશમાં ડોકિયું કરી રહેલા શ્વ્વેત વાદળોનાં આગમન સાથે ગ્રીષ્મની વિદાયનો અણસાર

ચોમાસુ તબકકાવાર આગળ વધી રહ્યું છે. બંગાળના ખાડીમાં સર્જાયાયેલા હવાના હળવા દબાણનો ઘટસ્ફોટ ત્યાં જ થઇ જતા એક ઝંઝાવાતી મુકામ ભારતીય મોસમ વિજ્ઞાને પસાર કરી દીધો છે.પરંતુ હવે ટુંક સમય માં જ જેને પ્રિ-મોનસુન શાવર કહેવાય તેવી વર્ષાનો ગુજરાતની ક્ષિતિજો પર પ્રગટ થશે. લગભગ તમામ પ્રકારની આગાહી જોતા આ વખતનુ ચોમાસુ પણ સારૂ નીવડશે. એક ઘણી નવાઇની જ વાત છે કે હજુ આપણે ત્યાં જળવપરાશના સંયમના નામે મોટું મીંડુ છે.જરૂરિયાત કરતા ચાર ગણો પાણી વાપરવામાં આપણો હાથ હજુ છુટો છે.એ વાત સાચી છે કે અમરેલી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર પુરતો પાણી પુરવઠો ફાળવી શકતી નથી.પરંતુ સરકારના આયોજકો અને નાણાંની ફાળવણી જોતા લાગે છે કે કમસેકમ આવનારા બે ત્રણ વર્ષમાં એ સમસ્યા તો કાયમ માટે ઉકેલાઇ જશે.પરંતુ આપાણી જે ટેવ છે એ બે ત્રણ વર્ષમાં સુધરે એવુ લાગતુ નથી.ઇસ્રાયલના દાખલાઓ આપીને પર્યાવરણવાદીઓ થાકી ગયા છે.પરંતુ આપણે ઇસ્રાયલ પાસેથી કંઇ શીખ્યા હોય તેવું લાગતુ નથી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી ગુજરાતના એક માત્ર એવા મુખ્ય મંત્રી છે જેણે પોતાના સત્તાકાળ દરમિયાન દુષ્કાળના ત્રણ વર્ષો પસાર કરેલા.તેમણે સમગ્ર ગુજરાતમાં વોટર સ્પેશ્યલ ટ્રેન દોડાવેલી. અમદાવાદ અને રાજકોટ વચ્ચે તો એ જમાનામાં સામસામી વોટર સ્પેશ્યલ ટ્રેનો જ દોડયા કરતી હતી.એ જમાનો બહુ દૂરનો ભૂતકાળ નથી.અને પાછલી પેઢીને ગામના સીમાડે તડકામાં ચોકડી ખોદતા લોકોના ટોળા સાથેના દ્રશ્યો સહિત હજુ યાદ છે. દુષ્કાળમાંથી મુક્ત થયેલા ગુજરાતને હરિયાળુ રાખવાની જવાબદારી માત્ર સરકારની છે એવો એક મોટો અને ખોટો ભ્રમ પ્રજામાં પ્રવર્તે છે.ખરેખર તો દરેક વ્યક્તિએ પોતે કોઇને કોઇ વૃક્ષ સાથે દોસ્તી કરવી જોઇએ ચોમાસુ નજીક આવે છે ત્યારે એવા તમામ લોકો કે જેમણે પોતાની જીંદગીમાં કદી પણ એક વૃક્ષ પણ વાવ્યુ કે ઉછેર્યુ નથી.તેમણે આ ચોમાસે વૃક્ષ સાથેના પોતાના સંબંધોનુ સત્તાવાર ઉદ્દઘાટન કરવાની જરૂર છે.

બાય ધ વે ગંગા અવતરણ જયંતિ અને ભીમઅગીયારસ આ બંને પર્વોને પાણી સાથે વધારે સબંધ છે. સૌરાષ્ટ્રનું હવામાન પલટાયું તે પહેલા એટલે કે, ધરતીકંપ પહેલાના દિવસોમાં ભીમ અગિયારસનાં દિવસે આકાશ ગોરંભાતુ અને વાવણીની લાપસીનાં આંધણ ઘેર ઘેર મુકાતા. હવે તો એ મૌસમ બદલી ગઇ છે અને છતાં આપણે ત્યાં જન્માષ્ટમી અને ભીમ અગિયારસનો મહિમા સરખો છે (બીજી રીતે પણ સરખો છે, ત્રણ દિવસ અગાઉથી જ પાટલા મંડાય જાય છે અને શોખીનો મોડીરાત સુધી ટોળકી જમાવીને જુગાર રમતા થઇ જાય છે) જો કે, છેલ્લા બેત્રણ દિવસથી ગ્રીષ્મ ઋતુએ વિશ્રામ લીધો છે અને આકાશમાં વાદળાઓની હાઉકલી શરૂ થઇ ગઇ છે. એનાથી ધોમધખતા તાપનાં આ વખતનાં લાંબા અનુભવમાંથી પસાર થયેલી પ્રજાને થોડોક નિરાંતનો અનુભવ થયો છે અને એવુ લાગે છે કે, જાઉ..જાઉ..કરતી ગ્રીષ્મ ઋતુ કમ સે કમ એકાદ સપ્તાહમાં વિદાય લેશે અને મેઘરાજાનાં હાથીઓનાં સૈન્ય જેવા વિરાટ વાદળોનાં પડાવ આસમાન પર પોતાનું ગાજવીજ સાથેનું એકચક્રી સામ્રાજય જમાવી દેશે. ગમે તેમ હોય પરંતુ છેલ્લા સાત – આઠ વર્ષથી ચોમાસાઓ રંગતભર્યા આવે છે. વરસાદ એવો જામે છે અને આકાશ એવું તૂટી પડે છે કે સરકારી તો ઠીક ખાનગી નોકરીઓવાળાને પણ રજા રાખવાનું મન થઇ જાય છે અને ગરમા ગરમ ભજિયાની સુગંધ પ્રસરી રહે છે. આ વખતનું ચોમાસુ પણ જમાવટ જ છે. પરંતુ વાવણી કયારે કરવી અને ન કરવી એ માટે નિર્ણય લેવામાં ઘ્યાન રાખવું પડશે. એની વાત વળી ફરી કોઇ વાર અસ્તુ.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s