પ્રાથમિક શિક્ષણ સત્ર શરૂ થતાં પહેલા વાલીઓ માટે આત્મચિંતન

ગાંધીનગરમાં સચિવાલયમાં એક જમાનામાં એસ.ડી.ગોસ્વામી નામના યુવક વિકાસ અધિકારી હતા, એમનું એક સૂત્ર હતું – અંધારે ન રહેજો, દિવો કરી લેજો. ગુજરાતના હજારો યુવાનોને એમણે વિવિધ સરકારી શિબિરો દ્વારા તાલીમ આપી. ખૂબજ પ્રેરણાદાયી વ્યક્તિત્વ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ અધિકારી તરીકે ધીરુભાઇ ડોબરિયા હતા, એ પણ આવા જ પ્રેરણામૂર્તિ, એમણે પણ હજારો યુવાનોને, યુવતીઓને શિબિરો દ્વારા તૈયાર કર્યા. હવે આવા અધાધિકારીઓ બહુ જોવા મળતા નથી. પોતાના કાર્યક્ષેત્રને જીવનક્ષેત્ર જ બનાવી દેવું એ આ યુગનું સૌથી મોટુ તપ છે. સાચું પ્રોફેશનાલિઝમ આ જ છે. બધા લોકો સેવા કરી શકતા નથી, એ તો કોઇ વિરલા જ કરી શકે, પણ જે કામ કર્મચારી – અધિકારીઓને સોંપવામાં આવ્યું હોય છે, એ ય જો તેઓ નિષ્ઠાપૂર્વક કરે તો બહુ થઇ ગયું. સમાજ પણ આનાથી વધારે અપેક્ષા રાખતો નથી.
મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે વર્ષો પહેલા પ્રાથમિક શાળામાં અબ્દુલભાઇ તૈબાણી નામના શિક્ષક હતા. તેઓ શાળાએથી જ આખા વર્ગને સીધા જ પોતાના ઘરે લઇ જતા અને ઘરે આખા કલાસને વિનામૂલ્યે વધારાની બે કલાક ટયુશન ભણાવતા. કોઇ વાર વહેલી સવારે ઘરે બોલાવતા. વચ્ચે વિદ્યાર્થીઓને ચોકલેટ – બિસ્કીટ પણ આપતા.એક એક વિદ્યાર્થીમાં વ્યક્તિગત ઘ્યાન આપીને ટકોરાબંધ તેજસ્વી બનાવતા. લગભગ બધા જ વિષયોના નિષ્ણાત, ચિત્ર, સંગીત, રમગત ગમતમાં પણ એવા જ એક્કા અને વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર વાત્સલ્ય. આવા શિક્ષકો જીવનઘડતરમાં કમાલ કરી શકે છે.
રાજસ્થાનમાં બાંસવાડા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં એક શાળા છે. સાવ નાના પરિવારોના બાળકો અહીં ભણવા આવે છે. પરંતુ એના આચાર્ય એક અલકેમિસ્ટ જેવા જાદુગર છે. માનવમનના કીમિયાગર. એવું અદ્દભુત ભણાવે અને કાચા હીરાઓને એવા પહેલ પાડે કે મેજિક જ લાગે. આજ સુધીમાં એ શાળાના તેર વિદ્યાર્થીઓ આઇ.એ.એસ. અધિકારીઓ બની ચુકયા છે. અને એ તમામ તેજસ્વી અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક શાળામાં એ ગામડામાં આચાર્ય પાસેથી અમે જે શિક્ષણ અને તાલીમ લીધા એને આધારે જ અમારો સર્વોત્તમ જીવનમાર્ગ ખુલ્લો થયો. ઘણીવાર આપણે બાળકોની પાછળ પડીને એને તેજસ્વી બનાવવા માટે, વધુ ટકા લાવવા માટે ધમપછાડા કરતા હોઇએ છીએ, પરંતુ જયાં સુધી કમાલ કરનારા શિક્ષક ન મળે ત્યાં સુધી ચમત્કાર સર્જાતો નથી. એક માન્યતા છે કે કોઇપણ વ્યક્તિની તેજસ્વીતા એના પ્રાથમિક શાળાના શિક્ષકની બૌદ્વિક ઉંચાઇથી વધુ ન હોઇ શકે. મોરારિબાપુ પોતાના દાદાને જ પોતાના શિક્ષક અને ગુરુ માને છે. જે રીતે તેઓ બાળમોરારિને ભણાવતા અને ચોપાઇઓ કંઠસ્થ કરાવતા એના ઉપર જ આ મહાન કથાકારની પ્રતિભાનું ઘડતર થયું છે. બાળકોના પ્રારંભિક વર્ષો બહુ જ મૂલ્યવાન હોય છે. એનો એક – એક દિવસ કિંમતી છે, એ વેડફાઇ ન જાય એનું ઘ્યાન કોણ રાખશે ?હકીકતમાં માતાપિતા અને શિક્ષકોની આ સંયુક્ત જવાબદારી હોય છે. ટુંક સમયમાં જ નવા શૈક્ષણિકસત્રની શરૂઆત થઇ જશે. વેકેશનમાં આખું ઘર માથે લેનારો મામા મહિનો પૂરો થઇ જશે અને ફરી શાળાના આંગણાઓ પર માસૂમ પગલાઓ છવાઇ જશે.
અમરેલી રેલવે સ્ટેશનના કવાટર્સમાં એક ભટ્ટદાદા કરીને નિવૃત્ત શિક્ષક છે, એ પણ સમર્પિત શિક્ષક છે. મોંઘાભાવના ટયુશનોની ધમધમતી બજાર વચ્ચે તેઓ પોતાના આંગણે ધોરણ ૮થી ૧૨ની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ટયુશન આપે છે. વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ જેવા અઘરા વિષયો તેઓ એકલે હાથે ભણાવે છે. સંખ્યાબંધ દીકરીઓ એમને ત્યાં ભણવા જાય છે. મહત્વની વાત એ છે કે એમનો પુત્ર રેલવેમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે. દાદાનું લગભગ આખું પેન્શન આ વિદ્યાર્થીનીઓને ભણાવવા માટેની વિવિધ સગવડોમાં ખર્ચાઇ જાય છે. પાછા કેટલાકને તો તેઓ પાઠયુપુસ્તકો પણ લઇ આપે છે. દીકરો અને વહુ દાદાને ઘરઆંગણે સેવાની આ પ્રવૃતી કરવા દે છે એ જ મહત્વની વાત છે. આજે મોટાભાગના દીકરાઓની નજર વડીલોના પેન્શન ઉપર હોય છે ત્યારે એમનું પેન્શન એમની રીતે વાપરવાની દેવાની છૂટ આપવી એ પણ એક પ્રકારનું શ્રવણકર્મ છે. આવા કિસ્સાઓમાં દાદા અને પરિવાર બંને સમાન અભિનંદનના અધિકારી હોય છે. એક સાચા અર્થના શિક્ષક સુધી બાળકને પહોંચાડવો – ચાહે શાળામાં કે ટયુશનમાં, એ વાલીઓની સૌથી મોટી જવાબદારી બની ગઇ છે. કેટલાક જ શિક્ષકો કે જેમનામાં સ્પોર્ટસના કોચ જેવી લાક્ષણિકતા હોય છે. તેમના હસ્તક જો બાળકને સોંપીએ તો એની જિંદગી બની જતી હોય છે. ખાસ તો પ્રાથમિક શિક્ષણના વર્ષોમાં જયારે બાળકની રમવાની ઉંમર હોય છે ત્યારે એને અને વિદ્યાસંસ્કારને પારસ્પરિક જોડવા તે સૌથી મોટી કસોટી છે અનેક વાલીઓ ત્યારે જાગે છે જયારે બાળક હાઇસ્કૂલના પગથિયા ચડે છે. પરંતુ ત્યા સુધીમાં તો એની પાયાની ઇમારત ચણાઇ ચૂકી હોય છે. નવા સત્રમાં અપેક્ષા રાખીએ કે પ્રાથમિક શિક્ષણના મહામૂલા વર્ષો બાળકો માટે ખરા અર્થમાં મૂલ્યવાન બને તેટલો રસ લઇએ.

One comment on “પ્રાથમિક શિક્ષણ સત્ર શરૂ થતાં પહેલા વાલીઓ માટે આત્મચિંતન

  1. ખરેખર પ્રેરણાદાયી પ્રસંગો છે. આપના દેશમાં આવા લોકોના કારણે સમયસર ગરમી,ઠંડી અને વરસાદ પડે છે.આ લોકોના તપથી આપણે સુખી છીએ.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s