1લી મે ગુજરાત સ્થાપના દિન એટલે સમગ્ર રાજયનાં અસ્તિત્વનો ઉત્સવ

જય..જય..ગરવી ગુજરાત ગુજરાતની અસ્મિતાનાં મશાલચીઓને સાત વારની સલામ

આજે ગુજરાત સ્થાપના દિન છે, એ સમગ્ર રાજયનાં અસ્તિત્વનો ઉત્સવ છે. પરંતુ ગયા વર્ષે સ્થાપના દિન અમરેલીમાં ઉજવાયો એને એક વર્ષ થયું એનું સ્મરણ અને એનો આનંદ પણ છે. સમયનાં નાજુક વળાંક પર ગુજરાતનું રાજકારણ, અર્થકારણ અને સમાજકારણ આવીને ઊભું છે. મહાજાતિ ગુજરાતીએ ૨૧મી સદીમાં પ્રવેશ તો કરી લીધો છે પરંતુ ૨૧મી સદીને અનુરૂપ પોતાનામાં હજુ ઘણા રૂપાંતરો કરવાના બાકી છે. અનેક ઊંચા શિખરો ગુજરાતીઓએ સર કર્યા છે. સમગ્ર દેશમા પ્રતિષ્ઠિત રાજયોની પહેલી હરોળમાં ગુજરાત છે. સદ્દભાગ્યે વચ્ચેનાં નાના – નાના મુકામો છોડી દઇએ તો સરવાળે તો ગુજરાતને હંમેશા મોટા ગજાનું નેતૃત્વ જ મળ્યું છે. ગુજરાતનો મુખ્યમંત્રી દેશમાં હંમેશા અસામાન્ય પ્રતિભા ધરાવતો હોય છે. આપણા ડો.જીવરાજ મહેતાથી શરૂ કરીને શ્રી નરેન્દ્ર મોદી સુધીનાં તમામ મુખ્યમંત્રીઓના ઇતિહાસ ઉપર એક નજર નાંખો તો ખ્યાલ આવશે કે, ગુજરાત માટે નક્કર યોગદાન કરવાની તમન્નાવાળુ નેતૃત્વ જ આપણને મળ્યું છે. પ્રવર્તમાન મુખ્યમંત્રી જયારે ગાંધીનગર આવ્યા અને એકાએકા જ નાટયાત્મક રીતે એમણે ગુજરાતની ગાદી ગ્રહણ કરી ત્યારે મુખ્યમંત્રીના બંગલામાં સાંજે પોતાનાં જુના પત્રકારમિત્રોને એમણે મળવા બોલાવ્યા હતા અને ત્યારે કહ્યું હતુ કે, આ બંગલાના આટલા બધા રૂમને મારે શું કરવા છે ? હું તો એક જ રૂમ ખોલવાનો છુ. બાકીના બંધ પડયા રહેશે. દિલ્હીથી થેલો લઇને આવ્યો છું, ગુજરાતની સેવા કરવાનો મોકો મળ્યો છે, સેવા કરવા દેશો ત્યાં સુધી રહીશ બાકી આ થેલો પાછો ખભે નાખીને હાલતો થઇ જઇશ. દેશનાં અન્ય કોઇ પણ રાજયનાં મુખ્યમંત્રીઓ જે દિવસે શપથગ્રહણ કરે તે દિવસે એના મુખમાં ઉપરનાં મિસ્ટર મોદીનાં જે શબ્દો છે એવા શબ્દો હોતા નથી. ઉપરના વિધાનો એમના અંતઃકરણની પવિત્રતાની ગવાહી આપે છે. ગુજરાતને લગભગ મોટાભાગનાં મુખ્યમંત્રીઓ એક રીતે તો ચુસ્ત ગુજરાતી, અને ખાનગીમાં ઝનૂનપૂર્વક ગુજરાતને આગળ લઇ જવાની મહત્વાકાંક્ષા ધરાવનારાઓ જ મળ્યા છે, એ ગુજરાતનું સદ્દભાગ્ય છે, કારણ કે ગુજરાતીઓ પોતે ગુજરાતવાદી નથી. આ આપણા દુભાર્ગ્ય પણ ગણાય છે. કદાચ આપણે ખોટા વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ તામિલ લોકો પોતાના રાજયમાં બીજા રાજયોવાળાને ધિક્કારે છે, એવું જ બિહારમાં છે, એવું જ પંજાબમાં છે, એવું જ મહારાષ્ટ્રમાં છે, અને બીજે કયાં નથી ? પણ બીજા રાજયોનો માણસ ગુજરાતમાં આવે એ એની આખી જિંદગી ગુજરાતીઓ અને ગુજરાતનાં વખાણ કરતા થાકતો નથી. આટલી બધી વધારે પડતી ઉદાર હ્ય્દય ધરાવતી ગુજરાતી પ્રજાને જો નેતા તરીકે, મુખ્યમંત્રી તરીકે, ચુસ્ત ગુજરાતવાદી માણસ ન મળે તો તો અડધુ ગુજરાત વેચાઇ જાય. એટલે કુદરતે ગુજરાતીઓમાં ભલે ઉદારમતવાદીતા આપી, પરંતુ સદ્દભાગ્યે શ્રીમાન મોદી સાહેબ સુધીની શ્રૃંખલામાં એમના પોતાના સહિત એવા – એવા દિગ્ગજ મુખ્યમંત્રીઓ આપ્યા છે, જેઓએ અહર્નિશ ગુજરાતનાં નકશાનું માદળીયું જ બાવડે બાંધી રાખ્યું છે, ધન્ય છે એમની ગુજરાત પ્રીતિને. ગુજરાત પ્રીતિ શું છે એ નવી પેઢીને ખબર નથી. ગુજરાત પ્રીતિ જાણવી હોય તો તમારે પહેલા ઇ.સ.૧૮૬૪માં સુરતમાંથી નર્મદે પ્રકાશિત કરેલા ‘ડાંડિયો’ મેગેઝીનનાં અંકો વાંચવા પડે. વાંચો એટલે તમારું લોહી ગરમ થઇ જાય. ગુજરાત માટે તમને જાન ફેસાની કરવાનંુ મન થઇ જાય એનુ નામ નર્મદ છે. ત્યાંથી આગળ ચાલો તો ગુજરાત પ્રીતિનો બીજો મુકામ જોવો હોય તો ઇ.સ.૧૮૮૦માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ પ્રકાશિત કરેલા મેગેઝીન ‘ ગુજરાતી’ના અંકો વાંચવા પડે. જગ્યા બહુ ઓછી છે એટલે થોડોક સંક્ષેપ કરીએ. એના પછી ગુજરાત પ્રીતિનો ધોધ જોવો હોય તો તમારે કનૈયાલાલ માણેકલાલ મુનશીની ‘જય સોમનાથ’ સહિતની નવલકથાઓનાં મહાસાગરમાં ડૂબકી મારવી પડે. એના પછી આવે છે મેઘાણી. મેઘાણી વિના સૌરાષ્ટ્રને આત્મસાત કરી ન શકાય. ફરી સંક્ષેપમાં વાત સંકેલતા જઇએ…આધુનિક યુગનો ગુજરાત પ્રીતિનો જેને ગીરનાર કહેવાય એવો મુકામ એટલે ચંદ્રકાંત બક્ષી. ગુજરાતીઓમાં સ્વાભિમાન, વીરતા, આત્મવિશ્વ્વાસ, ધનસંપત્તિના ઉછાળા, પરાક્રમો અને સમગ્ર વિશ્વ્વની સામે ટક્કર લેવાની મહાજાતિ તરીકેની ક્ષમતા આ બધું જ ચંદ્રકાંત બક્ષીના પુસ્તકોમાં છલકછલક છે. આજનો દિવસ જય..જય..ગરવી ગુજરાતનો દિવસ છે.આ મંગલ દિવસનાં તમામ વાંચકોને અભિનંદન. દરેક ગુજરાતીઓનું જીવન અને કાર્ય એવું હોય જેનાથી ગુજરાતનાં નકશાની સોનેરી કિનાર સર્વદા ચમકતી રહે…અસ્તુ

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s