બાંધકામને સફળ બનાવવા વાસ્તુશાસ્ત્રના કેટલાક ચોક્કસ સિદ્ધાંતોને આધારે બાંધકામ કરવાનું ચલણ વધ્યું છે તેનાથી વાસ્તુ શાસ્ત્ર એક વિજ્ઞાન છે તે વાત સિદ્ધ થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે કોઈ ચોક્કસ સ્થળે વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. જો કે તેની તુલનાએ કુદરતી આપત્તિઓ સામે વાસ્તુ શાસ્ત્રનાં આધારે થયેલા બાંધકામને કોઈ ખાસ અસર ન થાય તે વધુ અગત્યનું છે. નોંધપાત્ર છે કે વાસ્તુ સિદ્ધાંતોનાં આધારે બનેલી અનેક પ્રાચીન ઈમારતો અને મંદિરો આજે પણ સુરક્ષિત છે. તો ચાલો જાણીએ વાસ્તુ વિજ્ઞાન…
-કોઈ પણ ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ઈશાન ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય.
-ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. ત્યાં રસોડું બનાવવું શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. કોઈક કારણસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શકે તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં જળ સ્થાન કે અગ્નિ સંબંધિત કાર્યો થાય તે હિતાવહ નથી. ઓરડામાં અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.
-ઘરનો ઉત્તર-પશ્વિમનો ખૂણો એટલે વાયવ્ય ખૂણો. બારીઓ અને બાલ્કની આ દિશામાં હોય તે શુભ મનાય છે. ડ્રોઈન્ગ રૂમ કે અન્ય રૂમોમાં આ જ ખૂણામાં પંખા, કૂલર મૂકવા જોઈએ.
-ઘરનો દક્ષિણ-પશ્વિમનો ખૂણો એટલે નૈઋત્ય ખૂણો. આ ખૂણામાં મહત્તમ વજનને શુભ માનવામાં આવે છે.
-ઘરનું કેન્દ્ર અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. તે બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન હોવું જોઈએ.
-મુખ્ય શયન ખંડ નૈઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયન ખંડ પૂર્વ દિશામાં અને તેમનો અભ્યાસ ખંડ ઈશાન દિશામાં શુભ મનાય છે. કુંવારી છોકરીઓનો શયન ખંડ વાયવ્ય દિશામાં હોવો જોઈએ.
-દંપતિ સૂતું હોય તે શયન ખંડમાં હંસોના જોડા કે સારસના જોડાનું ચિત્ર લગાવવું શુભ મનાય છે. આ ચિત્ર સૂતા સમયે ત્યાં સૂનારા લોકો જોઈ શકે તે રીતે મૂકવું જોઈએ. તેનાથી દંપતિ વચ્ચે પ્રેમ જળવાઈ છે.
-ગૃહ સજાવટમાં નકારાત્મક ભાવ દર્શાવતા ચિત્રો, બીભસ્ત દૃશ્યો ધરાવતા પોસ્ટર ન લગાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં સુંદર પ્રાકૃત્તિક દૃશ્યો ધરાવતા ચિત્રો અને મનને પ્રફુલ્લિત કરતા ચિત્રોને શુભ માનવામાં આવે છે.
-પૂજા ગૃહ બનાવાય ત્યાં અસ્ત્ર-શસ્ત્ર મૂકવા અશુભ મનાય છે.
-દંપતિના શયનખંડમાં આસમાની કે લીલા કલરનો પ્રયોગ શીતળતા આપનારો અને નારંગી, પીળા અને લાલ રંગનો પ્રયોગ ઉત્સાહવર્ધક મનાય છે. ઉન્માદથી પીડાતા લોકોએ શીતળ કલરનો પ્રયોગ કરવો જોઈએ.
-શયન ખંડ એ રીતનો હોવો જોઈએ કે જેથી સૂનારનું માથું દક્ષિણ દિશા તરફ હોય. દક્ષિણમાં માથું રાખવાથી પૃથ્વીના ચુંબકત્વનો આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે.
-ઘરનાં મુખ્ય દ્વાર પર શુભ ચિહ્નો અંકિત કરવા જોઈએ.
-ગૃહ સજાવટમાં લોકો છોડ, બગીચા કે ઈન ડોર પ્લાન્ટનો પણ ઉપયોગ કરે છે. કેકટસ તેમજ કાંટાવાળા છોડ તેમજ દૂધવાળા છોડા ઘરની સીમામાં ન લગાવવા જોઈએ.
-ઘરની સજાવટમાં હાથી, ઘોડા તેમજ રમકડાં&નો ઉપયોગ શુભ મનાય છે.
-વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર અને પૂર્વનો ભાગ વધુ ખુલ્લો હોવો જોઈએ અને દક્ષિણ અને પશ્વિમનો ભાગ ઓછો ખુલ્લો હોવો જોઈએ. ઓરડાની બારીઓ બાબતે પણ આ નિયમનું પાલન કરવું જોઈએ.
-બૂટ, ચંપલનું ખાનું વાયવ્ય ખૂણામાં શુભ મનાય છે.
-ઓરડા કે ઘરમાં તૂટેલો કાચ, તૂટેલા પાયાવાળી ખુરશી કે જામ મશીન મૂકવી વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટીએ અશુભ મનાય છે.
-ડ્રોઈન્ગ રૂમનાં ઉત્તર પશ્વિમ ખૂણા પર કોઈ સુગંધિત વસ્તુ મૂકવી જોઈએ. જેથી સતત સુગંધનું ઉત્સર્જન થતું રહે. જો આવી કોઈ વસ્તુ ન હોય તો રૂમાં થોડું અત્તર છાંટીને તેને ઉત્તર પશ્વિમ ખૂણામાં મૂકવું જોઈએ. સુગંધિત અગરબત્તીઓ પણ આ ખૂણામાં લગાવી શકાય. આવું કરવાથી સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે.
-હાલ બજારમાં અનેક પ્રકારના ફર્નીચર ઉપલબ્ધ છે. જો કે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટીએ લોખંડના બદલે લાકડામાંથી બનેલા પલંગ, સોફોસેટ અને ખુરશીઓને વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે લાકડું વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે લોખંડ વિદ્યુતનું વહન કરે છે. આવી સ્થિતિમાં લોખંડ ઘરની નકારાત્મક ઉર્જામાં વધારો કરે છે.
-ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.
આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી નાનું મકાન પણ કિર્તીપ્રદ અને બંગલા જેવું સાબિત થાય છે.
લોકમુખે