ભારતીય સંસ્કૃતિમાં પ્રાચિનકાળથી જ સ્થાપત્યકળામાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. પ્રાચીનકાળમાં ઈમારતો અને મહેલોનાં પ્રવેશદ્વાર પર વિશેષ ધ્યાન દોરવામાં આવતું, દરવાજાઓ બનાવટની દૃષ્ટીએ તો આકર્ષક હતાં જ સાથે સાથે તેમના નામો પણ. જેમ કે સિંહદ્વાર, સૂર્યતોરણ અને બુલંદ દરવાજા.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈપણ ઘર, ઑફિસ કે ઈમારતનાં મેઈનગેટ એટલે કે મુખ્ય દરવાજાનું ખાસ મહત્વ છે. તેથી ઘર કે ઑફિસનો નકશો બનાવતાં પહેલાં મુખ્ય દરવાજા પર ધ્યાન આપવું જોઈએ. કોઈ પણ સંસ્થોનું પ્રવેશદ્રાર એવું હોવું જોઈએ જેથી બહારથી તેને નીહાળનાર વ્યક્તિને અંદરના વૈભવનો ખ્યાલ આવી જાય.
મુખ્ય દ્વાર બહારની દિવાલની વચ્ચોવચ્ચ અથવા એકદમ ખૂણામાં ન રાખવો. ઈમારતની બહારની દિવાલો એટલે કે બાઉન્ડ્રી વોલ ચારે તરફથી સરખી અને સમકોણીય હોવી જોઈએ. દક્ષિણ અને પશ્વિમ દિશા તરફની દિવાલો પૂર્વ અને ઉત્તરની દિવાલોની તુલનાએ વધુ જાડી અને ઓછામાં ઓછી ત્રણ ઈંચ વધુ ઊંચી હોવી જોઈએ. જો આ જ અંતર 21 ઈંચનું હોય તો તેને શ્રેષ્ઠ કહી શકાય.
પૂર્વ અને ઉત્તરની દિવાલો માત્ર બે ફૂટ ઊંચી હોવી જોઈએ. તેના પર તમે લોખંડની ગ્રીલ કે જાળી લગાવી શકો છો. મુખ્યદ્વાર માટે ઉત્તર કે પૂર્વ દિશાને યોગ્ય માનવામાં આવે છે. મુખ્ય દરવાજો ક્યારેય મધ્ય પશ્વિમ કે દક્ષિણમાં બનાવવો જોઈ નહીં. પણ જો મકાન મહિલાની માલિકીનું હોય તો દક્ષિણમાં દરવાજો બનાવી શકાય.
મેન ગેટમાં જો સંભવ હોય તો એક જ પલડું બનાવવું જોઈએ. દરવાજો અંદરની તરફ અને ઘડિયાળની દિશામાં ખૂલે તેવો પ્રયત્ન કરવો જોઈએ. જો મુખ્ય દરવાજાની સાઈઝ વધુ હોય તો બંને પલડાં બરાબર રાખવા જોઈએ. આવા દરવાજામાં હંમેશા ક્લોક વાઈઝ દરવાજા જ રાખવા જોઈએ. વધુ જરૂર હોય ત્યારે જ એન્ટી ક્લોક વાઈઝ ગેટ ખોલવો જોઈએ.
રાત્રિતના સમયે મુખ્ય દરવાજાએ પ્રકાશની પૂરતી વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. મુખ્ય દરવાજા સામે કોઈ વૃક્ષ, થાંભલો કે અડચણ ન હોવી જોઈએ. મુખ્ય દરવાજાથી અંદર જવાનો રસ્તો સીધો હોવો જોઈએ. ગોળગોળ કે વાંકોચૂકો રસ્તો હોય તો ઘરમાં રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મુખ્ય દરવાજો અને ઘરનો દરવાજો એક જ દિશામાં હોય તો તેનાથી વધુ ફાયદો થાય છે. ઘણીવાર મોટા પલડાંવાળા મુખ્ય દરવાજામાં ચાલતા ચાલતા પ્રવેશ કરનારા લોકો માટે એક નાનો દરવાજો રાખવામાં આવે છે. આ નાનો દરવાજો ક્લોક વાઈઝ દરવાજાની ઉત્તર કે પૂર્વ દિશામાં બનેલો હોવો જોઈએ. પણ આ દરવાજાનો પ્રયોગ ઘરના મુખ્ય વ્યક્તિ કે માલિકે કરવો જોઈએ નહીં.
ઉત્તર અને પૂર્વ દિશામાં બનેલા મુખ્ય દરવાજાનાં પિલર બહુ ભારે ન હોવા જોઈએ અને ન તેના પર પત્થર કે ધાતુની ભારે ડિઝાઈન બનાવવી જોઈએ. કારણ કે પ્લોટનો ઉત્તર-પૂર્વ વિસ્તાર હલકો રહે તે શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજાને હંમેશા બંધ રાખવો જોઈએ. મેન ગેટ પર ચોકીદારનું રહેવાનું સ્થાન જમણા હાથ તરફ બનાવવું જોઈએ. આ જગ્યા બાઉન્ડ્રી વોલની અંદર હોય તો શુભ માનવામાં આવે છે. સિક્યોરીટી ગાર્ડનો રૂમ ગોળ, ચોરસ, ષષ્ટકોણ કે પિરામીડ આકારમાં ન બનાવવો જોઈએ. મુખ્ય દરવાજો પ્લોટની પૂર્વ તરફ હોય તો લાકડી, સિન્થેટીક કે રેડીમેડ વજનના હલકા મટીરીયલનો ઉપયોગ કરવો.